અજ્ઞાન

July 26th, 2010

ખૂબ હસે છે લોકો મારા પ્રેમ ના અજ્ઞાન માટે,
રડ્યો છું હુ એટલો છે કાફી એમના સ્નાન માટે.

મે આપી છે કીંમતી ભેંટો એમની દુકાન માટે,
ખુદ ભટકયો છું જીન્દગીભર એક મકાન માટે.

જે કદી હતી એક દેવી મારા ઇમાન માટે,
ઉઠ્યા તેના જ હાથ મારા ગિરેબાન માટે.

તાજો-તખ્તની ઝફા હોય છે સુલ્તાન માટે,
“શબ્દ્શ્યામ”ના શેર હોય છે કદરદાન માટે.

- “શબ્દ્શ્યામ” ક્રુત

“ધુની છુ”

July 15th, 2010

હા હું થોડો ધુની છુ,
કોઇ મુગ્ધા ની ચુની છુ.

ક્યારેક હું લાગણી ઉની છુ,
ક્યારેક હું ક્રુર ખુની છુ.
—-હા હું થોડો ધુની છુ

ઘડીક એકલતા હું સુની છુ,
ઘડીક મલક્તો હું મુની છુ.
—-હા હું થોડો ધુની છુ

લહેરખી હું ગરમ લૂની છુ,
વળી ઠંડી છાવ તરૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યારેક જરુરત હું સહુની છુ,
ક્યારેક નજાકત હું વહૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યારેક ભવ્યતા હું ચરૂની છુ,
ક્યારેક ચામડી હું વરૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યરેક યાદ હું જુની છુ,
વળી વર્તમાન હું જનૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

- “શબ્દ્શ્યામ” ક્રુત

ચાહું છું મારી જાતને

July 1st, 2010

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

- શેખાદમ આબુવાલા

શોધવા નીકળ્યાં!

June 27th, 2010

આપણેય સજણ કેવાક ભેરૂ શોધવા નીકળ્યાં,
નથી પગભર હજી,એનાં પગેરું શોધવા નીકળ્યાં!

લગાડી હળદરી લેપો, ને માંગી ચંદની મહેંકો
ધરી મ્હેંદી હથેળી રંગ ગેરૂ શોધવા નીકળ્યાં!

પછાડ્યાં ચંદ્ર પર પગલાં,ને ડહોળ્યા કંઈક દરિયાઓ,
સહારા શબ્દનાં લઈ મૌન ઘેરું શોધવા નીકળ્યાં!

ઉતાર્યાં વસ્ત્ર પહેરી બહુ, લીધી-છોડી કંઈ દીક્ષા,
ભર્યા મંદિર મહીં અણજાણ દે્રું શોધવા નીકળ્યાં!

હતા સામે જ તો ચેહરા, નગર ને દ્રશ્ય ગમતીલાં,
મીંચી પાંપણ છતાં સપનું અનેરું શોધવા નીકળ્યાં!

-ગુરુદત્ત ઠક્કર.

લે!

June 12th, 2010

આ રહ્યો ભૂતકાળ લે!
ગમે તો પંપાળ, લે!

ચાવી નથી ઘડીયાળની
થીજી ગયો આ કાળ, લે!

કરોળિયો સંબંધનો
મૂકી ગયો જંજાળ, લે!

બર્ફીલા પ્હાડો યાદનાં
ભીંજવશે -ઓગાળ, લે!

નીકળ્યા ખુદની શોધમાં,
મળી ખુદાની ભાળ, લે!

-ગુરુદત્ત ઠક્કર.

શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું

June 7th, 2010

શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું
ઘરોબો થઈ ગયો એવો ચકરડામાં ફસાયો છું

મૂકી’તી ઢીલ ખાસી તો’યે લાધ્યો હાથ ના છેડો
યથાવત એ જ ફીરકામાં વળી પાછો વીંટાયો છું

બજવણી થઈ ન’તી આરોપનામાની હજી તો’યે
હુકમનામાની ગફલતમાં શૂળી પર હું ચઢાયો છું

કહી દે દોષ એમાં કઈ હતો મારો કશો સૃષ્ટા
જીવે છે મોજથી કુંતી રહ્યો હું તો નમાયો છું.

ચલોને એ રીતે પણ થઈ ગયો કૃતજ્ઞ છુ યારો
ઉછેર્યો લાડથી એ કર વડે ઈદે કપાયો છું.

લખ્યું’તુ નામ કેવળ મ્યાન પર કો’કે વલી મોહમ્મદ
સનત જોષીના હસ્તે એ જ તલવારે હણાયો છું

પડોશીના સમાગમમા કદાચે થાય પણ આવું
નગરનોંધે સમાવું’તું મરણનોંધે છપાયો છું.

-નવનીત ઠક્કર।

હું તારે ઈશારે ચાલું છું

June 5th, 2010

લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.

-ગની દહીંવાલા

આપણા માટે સમજદારી નથી

May 21st, 2010

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

હો જી

May 6th, 2010

ક્યાં આરો ઓવારો હો જી
ઉતારશું ક્યાં ભારો હો જી

થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી

પહોંચી જાશો સામે પાળે
સ્હેજ તમે જો ધારો હો જી

આમ સાચવીને શું કરશું?
જળ જેવો જન્મારો હો જી

એ કેડીથી ગુમ થવાનું
વારા ફરતી વારો હો જી

-અઝીઝ ટંકારવી

ખરાં છો તમે

April 25th, 2010

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.

ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

-કૈલાસ પંડિત

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books