કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી

September 6th, 2010

કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી,
મગરૂર દિલમાં યાદ કોઈ પ્રજ્જવળી હશે!

સૂરજ ઊગ્યા વિણ આટલો શેનો ઉજાસ છે?
શમા સાથે વિરહમાં કો’ મુગ્ધા બળી હશે!

ભર સવારે પાંપણો થઈ ગઈ છે શબનમી,
સ્વપ્નમા આંખોએ બહારો રળી હશે!
પ્રત્યક્ષ થયા ઘણીવાર પણ ઓળખ્યાં નહિ,
છબી તો છે હ્રદયમાં કિંતુ ધૂંધળી હશે!

ગાલિબની જેમ શબ્દનું તુ ન કર બહુ જતન,
ટેરવાં થશે કલમ, ને લોહી વાદળી હશે!

પીલે આ ઝેર,કર હવે મીરાને આત્મસાત,
દેહ વૃંદાવન પછી ને શ્વા્સ વાંસળી હશે!

-ગુરુદત્ત ઠક્કર.

વરસાદમાં

August 31st, 2010

રેઇનકોટની આડમાં દિલ પલળ્યું કોઈ, વરસાદમાં
સપ્તરંગી બની રૂપ નીખર્યું કોઈ, વરસાદમાં

શું સરવાળા કે બાદબાકી,શું ગુણાકાર કે ભાગાકાર
વરસવું એજ ગણિત હોય પ્રેમનું, કોઈ વરસાદમાં

કોમળતાની તાકાત પણ નીરખી અમે ત્યારે
સખત ધરા પર ફૂટ્યું ઘાંસ કુમળું કોઈ, વરસાદમાં

નયન અને હસ્તરેખાઓ વચ્ચે યુદ્ધ યુગો પુરાણું
નહીંતો જળ બની વહે ના સ્વપ્નું કોઈ, વરસાદમાં

કહ્યું દાક્તરે“રશ્મિ”, હવે ચિંતાનું નથી કોઈ કારણ,
ગઝલ નામનું સાધ્ય ઔષધ મળ્યું કોઈ, વરસાદમાં

ડૉ. રશ્મિકાંત શાહ
9821216033

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે

August 18th, 2010

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

– ધ્રુવ ભટ્ટ

શબ્દસૃષ્ટિ

August 18th, 2010

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

હું ક્યાં રમી શકું છું,
તારી સાથે સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા,
પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું
લાગ શીખવા
ટૂંકું છે બહુ મારું અહીં
રોકાણ, દીકરી !

ભૂલી નથી શકતો હું
ઘડીકે ય કોઈને
જબરું છે બહુ કુટુંબનું
ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક
સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે
ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો એમાં
તું ઉમેરજે,
મારું પ્રભુ પાસે બને
રહેઠાણ, દીકરી !

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

[અમેરિકા સ્થિત જાણીતા યુવા કવિ, ગઝલકાર, વિવેચક શ્રી જગદીશભાઈ વ્યાસનું કૅન્સરની બિમારીને કારણે 16-ડિસેમ્બર-2006ના રોજ દુ:ખદ અવસાન થયું. તેમણે પોતાની પુત્રીને 3-નવેમ્બર-2006 ના રોજ લખેલ આ કાવ્ય, ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી તેમને અંજલિરૂપે સાભાર. ]

તને ટેરવેથી SMS મોકલું ને

August 18th, 2010

તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.

તારી હથેળીની ભાષા વાંચી દે એવું
સોફટવેર સ્પર્શોનું કેવું ?
સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો
સાચવીને રાખું છું એવું.
નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય
અને ખાલીખમ પાંપણની હેલ.

આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને
ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં.
ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ
વિસ્તરતા જાય છે માઈલમાં.
ટહુકાથી ખીચોખીચ ભરેલી વેબસાઈટ
મહેંદી ને મોરલાનું સેલ.

તારી ઑફબીટ આંખ્યુએ ડિઝીટલ સપનાંનો
ઈમેલ મૂક્યો છે મારી આંખમાં.
પાંપણનો પાસવર્ડ એન્ટર કરીને હું તો
સૂરજ ઉગાડું બારસાખમાં.
દરિયો, વરસાદ, નભ, ચાંદો ને તારાની
વહેંચાતી કેવી રે ટહેલ !

તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.

– ડૉ. કનૈયાલાલ ભટ્ટ
[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર]

કમનસીબ

August 2nd, 2010

જીન્દગીભર રહ્યો છે મુજપર બોજ કરજ નો,
કે મરણબાદ પણ સહુ છું ભાર કબર નો.

મળી નહી હાશ મુજને હાસિયામા ધકેલી,
રાખી મારા માટે સતત ચિતા જલેલી.

મુજ અશ્રુઓ પર હતો એમનો સિકંજો,
મૌત બાદ પણ મને કહે છે લફંગો.

હું તો પ્રેમાળ હતો માણસ ઘણો,
પણ એમણે મને ચિતર્યો છે દરિન્દો.

-”શબ્દ્શ્યામ” ક્રુત

ચ્યાંથી લાવશો?

July 28th, 2010

ઝાંઝવોં હેંચીને ઉછેરેલાં ઉપવનમાં
હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો?

ભમરાં તો ત્હોય જોણે ભાડૂતી ઓણોપણ
ઝોકળી ભેનાશ્યો ચ્યાંથી લાવશો?

અત્તર છોંટીને ફૂલે મ્હેલી મ્હેંક્યો,
ઓલ્યાં ઓંબે મેઠાશ્યો ચ્યાંથી લાવશો?

ભોંઠો પડશે હઉ ફૂદ્દો-પારેવો ને
ગાળ્યો દેશે વટે-મારગું..

પેહશે તડ્કેથી કો’ક ખાવા વેહામો તૈ
લેંમડઈ હળવાશ્યો ચ્યાંથી લાવશો?

ઝાંઝવોં હેંચીને ઉછેરે્લાં ઉપવનમાં
હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો?

-ગુરુદત્ત ઠક્કર

ભગ્ન-કવી

July 17th, 2010

કવી ને કવિતા લખવાની ફુરસત નથી,
કંઇ વાત કેહવાની હવે હિમ્મત નથી.

મંદીર મા મુરત રામની જડ્તી નથી,
મારા ખુદા ને મુઝ્થી નિસ્બત નથી.

જાગ્યોછું તારી યાદમા હું સૂતો નથી,
ચક્ચૂરછું તુજમા કદી હું પીતો નથી.

કર્મઠછું માર કામમા હું ચુક્યો નથી,
પલવાર પણ તૂજને કદી ભૂલ્યો નથી.

ચાખ્યોછે તારા પ્રેમને હું ભુખ્યો નથી,
ટુક્ડા થયાછે પણ હજી તુટયો નથી.

- “શબ્દ્શ્યામ” ક્રુત

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર

July 12th, 2010

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર
ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી,
સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં ધાબા ઉપર

મસ્તાની યુવતીને પલાળીને આ વીજળી,
તસવીર પાડી જાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોરથી તું યાર ભીના વાળને છંટકોર નહી,
શ્વાસ રોકાઈ જાય છે, વરસાદમાં ધાબા ઉપર

રૂપની હેલી બની વરસે છે, મૂશળધાર તું
ચોમાસું ભૂલાય છે, વરસાદમાં ધાબા ઉપર
વાવણી કેવી થશે, ને આ વરસ કેવું જશે,
બઘું ય ગોથા ખાય છે, વરસાદમાં ધાબા ઉપર

આંખનું કાજળ હવે વાદળ બનીને ત્રાટકયું
મહોબ્બત ગોરંભાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોઈ તને મલકાતી, સંયમ શીખવનારા બધા
પાણી પાણી થાય છે, વરસાદમાં ધાબા ઉપર

તારી સાથે જ ભીંજાય છે અલ્લડ અરમાનો
જીંદગી ધોવાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈ પણ બહાને તને નીરખવા, મમળાવવા
ગામ ગોઠવાય છે, વરસાદમાં ધાબા ઉપર

તેં પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ
મેઘ પણ શરમાય છે, વરસાદમાં ધાબા ઉપર

-સાંઈરામ દવે

કુક્કડસભા..

July 11th, 2010

ચાલો જઇયે જોવા આજે એક સભા અનોખી,
કુકડાઓની પરિષદે કેવિ-કેવિ માંગો મૂકી!!

કોઇ લડે મુક્તિ માટે, તો કોઇ વંશવેલો ઝંખે,
બધે બસ માણસાઇ વિરુધ્ધ રોકકળ પોકે-પોકે..

રામુ કુકડો મુક્તિ માંગે, છે ત્રણ વરસથી બંદી,
પુરાઇ રહે પિન્જર-જેલમાં-ગરમી હોય કે ઠંડી..

પછી ટહુકી ગિતા કુકડી, કુક્કડપુત્ર એ ચાહે,
પણ માલિક એનો હંમેશ એનાં ઇંડા વેચી ખાયે..

ત્યાંજ ફાટ્યો શંભુ કુકડો, બદલો મારે લેવો,
કતલ થયાં પૂર્વજો મારા,જુલમી કસાઇ કેવો!!

છેલ્લે પોક્યા કુક્કડરાજ, અહિંસક જંગ હવેથી શરુ,
આહવાન આપ્યું ભુખ-હડતાલનું,હવે કરું કે મરું!!

ઇંડા ના આપે મુરધી કોઇ, મુરઘાઓ ના ચણે દાણા,
માણસ કરતાં લાગ્યા એમને કુતરા-બિલાડા શાણાં..

એક ચતુર મુરઘાએ ત્યાંજ એવું કાતિલ ડહાપણ ઢોળ્યું,
આપીયે રોગ અસાધ્ય માણસને, કહી બળતામાં ઘી હોમ્યું!!

નક્કી કર્યું કુક્કડરાજે કે એક રોગીલો ફતવો જારી થાય,
મરતો-તરફડતો-ડરતો માણસ પછી આપણને નહિ ખાય..

ત્યાંજ આવ્યો શ્વાન ઘુરકતો ને સભા થઇ બરખાસ્ત,
કુક્કડરાજનાં રામ રમ્યાં, ખુંપ્યા તિક્ષ્ણ ગરદને દાંત..

- ચિન્મય જોષી

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books