તને ટેરવેથી SMS મોકલું ને

તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.

તારી હથેળીની ભાષા વાંચી દે એવું
સોફટવેર સ્પર્શોનું કેવું ?
સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો
સાચવીને રાખું છું એવું.
નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય
અને ખાલીખમ પાંપણની હેલ.

આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને
ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં.
ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ
વિસ્તરતા જાય છે માઈલમાં.
ટહુકાથી ખીચોખીચ ભરેલી વેબસાઈટ
મહેંદી ને મોરલાનું સેલ.

તારી ઑફબીટ આંખ્યુએ ડિઝીટલ સપનાંનો
ઈમેલ મૂક્યો છે મારી આંખમાં.
પાંપણનો પાસવર્ડ એન્ટર કરીને હું તો
સૂરજ ઉગાડું બારસાખમાં.
દરિયો, વરસાદ, નભ, ચાંદો ને તારાની
વહેંચાતી કેવી રે ટહેલ !

તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.

– ડૉ. કનૈયાલાલ ભટ્ટ
[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર]

This entry was posted on Wednesday, August 18th, 2010 at 11:13 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “તને ટેરવેથી SMS મોકલું ને”

  1. shreyas Says:

    ખરેખર ખુબ જ સુંદર રચના છે . ખુબ પસંદ પડી

  2. શબ્દ્શ્યામ - આશિષ ઠાકર Says:

    ડૉ. કનૈયાલાલ ભટ્ટ, આપની આ રચના બહુજ નીરાળી છે. મને આપની આ રચના બહુજ તાજગી સભર લાગે છે.

    - શબ્દ્શ્યામ – આશિષ ઠાકર

  3. Dr, Rashmikant shah Says:

    ખુબ જ સરસ રચના છે.
    આંખના ઇશરાથિ ફાસ્ટ કોઇ ઈમેલ હોય જ નહિ.
    એસ એમ એસ કરતા સ્પર્શ વધુ લાગણી આપિ શકે
    છે. અને જ્યારે પાપણ પાસ વર્ડ બને ત્યારે પ્રેમ ઊચ્ચ તબ્ક્કાનો છે.

    ડો. રશ્મિકાન્ત

  4. DR.ANIL CHAUHAN Says:

    મે એક સરસ કવિતા લખી પણ મોક્લાવુ કઈ રીતે? કોઇ જવાબ આપશે?????

    CIVILANIL2000@YAHOO.CO.IN

Leave a Reply