દેખતા દીકરાનો જવાબ

December 14th, 2009

આગળ ની પોસ્ટ મા તમે આંધળી મા નો કાગળ વાંચ્યો હસે,
પ્રસ્તુત છે આંધળી માના કાગળ નો દેખતા દીકરા દ્વારા જવાબ
—————————————————-

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

-ઇંદુલાલ ગાંધી

2 Responses to “દેખતા દીકરાનો જવાબ”

  1. [...] વાંચો આંધળી માના કાગળ નો દેખતા દીકરા દ્વારા … [...]

  2. જ઼ૈમિન - “બદનામ" says:

    આંધળી માના કાગળ નો દેખતા દીકરા દ્રારા જવાબ વાંચી આનંદ થયો, સુંદર અભિવ્યક્તી, આર્થીક સમસ્યા હોવા છતા માતા-પુત્ર વચ્ચે ની લાગણી જોઇ શકાય છે…

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books