બધાંય જાણે, ગઝલ કહું છું

બધાંય જાણે, ગઝલ કહું છું,
ગજા પ્રમાણે ગઝલ કહું છું!

કથા બધાંની પછી કહીશું,
હું તો અટાણે ગઝલ કહું છું!

નથી ખબર તો મનેય એની,
અલખ ઉખાણે ગઝલ કહું છું!

ભર્યા બજારે ન કૈજ લાધ્યું,
વગર હટાણે ગઝલ કહું છું!

સમય પ્રમાણે રહું છું સાવધ,
હું ક્યાં કટાણે ગઝલ કહું છું!

મૂડીના નામે બચું છે જે કૈં,
મૂકી અડાણે ગઝલ કહું છું!

ગુનો અમારો કબૂલ અમને,
લે જાવ થાણે ગઝલ કહું છું!

ભૂખ્યા દૂખ્યાના નથી ભડાકા,
ભરેલ ભાણે ગઝલ કહું છું!

ન કોઈ જાણે, ન હું ય જાણું,
કયા ગુંઠાણે ગઝલ કહું છું!

- રાજેન્દ્ર શુક્લ

This entry was posted on Monday, August 24th, 2009 at 9:08 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “બધાંય જાણે, ગઝલ કહું છું”

  1. Rakesh Thakkar Says:

    ગઝલ પરની સુંદર ગઝલ. ગજબની ખુમારી છે કવિમાં..
    ગુનો અમારો કબૂલ અમને,
    લે જાવ થાણે ગઝલ કહું છું!

  2. Rohan Says:

    Nice one :) i liked it too much

Leave a Reply