ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.

અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.

લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.

આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.

- બેફામ

This entry was posted on Monday, January 12th, 2009 at 4:44 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply