જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.
બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું
રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
- મરીઝ
September 12th, 2008 at 1:12 pm
‘બેફામ’ અને ‘મરીઝ’ સાહેબની તો વાત જ ન કરી શકાય. જાતને મારીનેય ગઝલને એમણે જીવંત રાખી છે. આજકાલના શાયરોમાં કોઈ એમની તોલે ન આવે. ઉમાશંકરનાં વ્યાખ્યાનો જોયાં હશે, આ શાયરોનાં જોયાં? એ જ દર્શાવે છે કે એ સરળ રહ્યા છે.
જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)
jalalmastanjalal.wordpress.com