હું ક્યાં છું ?

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય -
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા કયાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી -
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરતી બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ એવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે -
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ -
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતુ,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય -

અરે, પણ તે હું ક્યાં છું ?

-જયંત પાઠક

This entry was posted on Tuesday, August 12th, 2008 at 9:44 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply