પત્નીને ખુશ શી રીતે રાખશો ? – શિશિર રામાવત
July 17th, 2008
[‘અભિયાન’ સામાયિકમાંથી સાભાર.]
[1] તુમ સુંદર હો !
ઐશ્વર્યા રાય ? એ વળી કોણ ? પતિદેવો, તમારા માટે સમગ્ર બ્રહ્માંડમાં આ એક જ સ્ત્રી સુંદર છે – તમારી પત્ની. થર્ડ ફ્લોર પર રહેતી મિસિસ પારેખને જોઈને ભલે તમારી આંખો ચાર થઈ જાય પરંતુ દિવસે દિવસે જાડી થતી જતી પત્ની સામે તેનો કોઈ જ કલાસ નથી. આ ‘સત્ય’ પત્નીના ગળે જડબેસલાક ઉતારી દો. તક મળે ત્યારે પત્નીનાં સૌંદર્યના વખાણ કરવાનું ચૂકવાનું નહીં. તક ન મળે તો ધરાર ઊભી કરવી. ‘આહા, તું આ ડ્રેસમાં કેટલી સુપર્બ દેખાય છે ! ક્યારે સીવડાવ્યો ?’, ‘સ્વીટહાર્ટ, તું વાળ છૂટા રાખે કે બાંધે, તું બ્યુટીફૂલ જ લાગવાની છે.’, ‘હની, હું ગમે એટલાં મોંઘા કપડાં કેમ ન પહેરું, આપણે બન્ને સાથે નીકળીશું તો લોકો મને તારો ડ્રાઈવર જ માનવાના છે.’, ‘કોણ કહે છે કે તું ફૂલીને ઢમઢોલ થઈ ગઈ છે ? વજન વધ્યા પછી તો તું ઊલટાની વધારે ક્યુટ લાગે છે.’ આવું બધું બોલતી વખતે તમારા અવાજમાં અને ચહેરા પર બને એટલું કન્વિકશન યા તો સચ્ચાઈ લાવવાનો પ્રયાસ કરો. કન્વિકશન ન આવે તોય કશો વાંધો નથી. તમે જાણો છો કે તમે ફેંકી રહ્યા છો, પત્ની પણ જાણે છે કે તમે ફેંકી રહ્યા છો, પણ તોય આ ડિંડક ચાલુ રાખો. ખોટાં તો ખોટાં, સ્ત્રીમાત્રને પોતાના રૂપનાં વખાણ સાંભળવાં ગમવાનાં જ.
[2] સુન સાયબા સુન
તમે બીજા કશા વિશેષ પ્રયત્નો નહીં કરો અને માત્ર શ્રવણશક્તિનો ગુણ કેળવી લેશો તો અડધો જંગ તો આપોઆપ જિતાઈ જશે. સ્ત્રીને સતત થતું રહે છે કે મારો હસબન્ડ મારા દિલની વાતો સાંભળે, મારી લાગણીઓ શૅર કરે. પત્નીના દિલની વાતો ભયાનક/કંટાળાજનક/ત્રાસદાયક/ક્રોધ જન્માવે એવી/અકળાવી દે એવી હોઈ શકે છે, પણ તમારે જોરદાર સ્ટેમિના, પ્રચંડ ધીરજ અને ઉચ્ચ કક્ષાની સહનશક્તિ કેળવવાં પડશે. સાત વર્ષની ઉંમરે ગાલપચોળિયું થઈ ગયું હતું ત્યારે પોતે કેવી ધમાલ મચાવી મૂકી હતી એની વાત પત્ની હસી હસીને કરતી હોય ત્યારે તમારેય જોડે હસવાનું. તેના કાકાની દીકરીની જેઠની ભાભીની ત્રીજા નંબરની બહેનની બહેનપણી પાડોશના છોકરા સાથે કેવી રીતે ભાગી ગઈ એની વાત પત્ની કરે ત્યારે તમારે ચહેરા પર દિલધડક થ્રિલર નવલકથાનું ચેપ્ટર વાંચી રહ્યા હો એવા ભાવ લાવવાના. ટૂંકમાં, પત્ની દિલની વાતો ‘શૅર’ કરે એ સાંભળવાનું, હોકારો દેતાં રહેવાનું, બગાસાં દબાવવાનાં અને વચ્ચે વચ્ચે ટાપસી પૂરતાં જવાનું.
[3] કૂથલી કરવાની કળા
તમે પત્ની સમક્ષ બીજી સ્ત્રીઓની બુરાઈ કરો તો એના જેવો સદગુણ બીજો એકેય નહીં. પત્નીને ખાતરી કરાવી દો કે તમારાં સગાંસંબંધીઓ, મિત્રવર્તુળ, પાડોશ અને પરિચિતોમાં રહેલી એક પણ મહિલામાં કશી ભલીવાર નથી. ‘મોટાં ભાભીને રસોઈ સારી બનાવતાં આવડે છે એટલું જ ને ? તારી જેમ દસ અજાણ્યા માણસોને કોન્ફિડન્સથી હેન્ડલ કરવાની તાકાત છે તેમનામાં ?’ મિત્રની પત્નીઓની તો અચૂક બુરાઈ કરવાની. ‘ભાવિન ક્યાં ફસાઈ ગયો રૂપાલીમાં ?’, ‘કેતનની વાઈફમાં ડ્રેસ-સેન્સ ક્યારે આવશે ?’ પતિના મોઢે પરાયી સ્ત્રીની બુરાઈ સાંભળવાથી સ્ત્રી જેટલી પુલકિત થાય છે એટલી બીજી કોઈ ચીજથી નથી થતી ! યાદ રાખો, સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર બે જ સ્ત્રીઓ સર્વગુણસંપન્ન છે. એક તમારી પત્ની, બીજી તેની મમ્મી.
[4] શોપિંગ શોપિંગ
ભલે તમે ‘મારી પેલી મરુન સાડી સાથે આ લિપસ્ટિક જામશે ?’ જેવા ભયાનક સવાલોથી કાંપી ઊઠતા હો, ભલે તમને મસ્કરા અને મોઈશ્ચરાઈઝર વચ્ચે એકઝેટલી શું ફર્ક છે તેની ગતાગમ પડતી ન હોય, પણ પત્નીની શોપિંગ કરવાની લાલસા પ્રજવલિત થાય ત્યારે (એટલે કે દર દસમા દિવસે) તેની સાથે જરૂર જવાનું. એ માટે તમારે ભારત-પાકિસ્તાનની દિલધડક વન-ડે મિસ કરવી પડે તો શું થયું ?
[5] રાંધતા શીખો
તમારી સમજદાર મમ્મીએ તમને દાળ-ભાત-શાક-રોટલી-ખીચડી બનાવતાં તો લગ્ન પહેલાં જ શીખવી દીધું હતું, પણ હે પતિપરમેશ્વરો, તમે હજુ પણ બે ત્રણ સારી કોન્ટિનેટલ ડિશ બનાવતાં શીખ્યા નથી ? ‘મારો હસબન્ડ બહુ ફાઈન પાસ્તા બનાવે છે. તું નેક્સ્ટ ટાઈમ ક્યારે ઘરે આવે છે ? હું કહીશ એને પાસ્તા બનાવવાનું. બટ આઈ મસ્ટ ગિવ હિમ અ ડે’ઝ નોટિસ, યુ નો…’ પત્ની એની બહેનપણીઓને આટલું કહી શકે એવો લહાવો સુદ્ધાં તમે તેને ન આપો ? નોટ ફેર. થોડા દિવસો પછી તમે તમારા ફ્રેન્ડઝ સાથે ગોવા જવાનું પ્લાનિંગ કર્યું હતું. એ ટ્રિપ કેન્સલ કરી નાખો અને કોઈ સારા કૂકિંગ કલાસમાં ક્રેશ કોર્સ કરી લો. જલદી !
[6] આંસુ ભર આએ
પત્નીને રડતી જોઈને ઘાંઘા ન બની જાઓ. અપરાધપણાની લાગણીથી ગ્રસ્ત થઈને ખુદના વર્તનવ્યવહારમાંથી ભૂલો શોધ-શોધ નહીં કરવાની. (‘ડાર્લિંગ, મેં તને કશું કહ્યું ? મને તો યાદ પણ નથી. આજે શાક થોડું બળી ગયું છે એવી ટકોર કરી એટલે ? સોરી યાર…’) પરિવારના સભ્યો તરફ પણ નિશાન તાકો. (‘મમ્મી થોડી ગુસ્સાવાળી છે એ તું જાણે છે ને ?’ મોટા ભાઈ કશું બોલ્યાં ?’) પત્નીના પરિવારને પણ વચ્ચે ન લાવો. (‘મમ્મી બહુ યાદ આવે છે ? પિયર આંટો મારી આવવો છે ? શનિ-રવિનું રિઝર્વેશન કરાવી લઉં ?’) ચૂપ ! તમે પત્નીને નિરાંતે રડવા પણ ન દો ? પત્નીઓને રડવા માટે કારણની જરૂર હોતી નથી. ક્યારેક તેને એમ જ રડવાની અદમ્ય ઈચ્છા થઈ આવતી હોય છે. મોટે મોટેથી પેટ ભરીને રડી લે એટલે તે હળવીફૂલ થઈ જશે અને બાથરૂમમાં મોં સાફ કરીને સ્મિત કરતી કરતી બહાર આવશે. પત્નીના મૂડમાં આવેલો અચાનક તાનપલટો જોઈને કન્ફયુઝ નહીં થવાનું અને ફરી પાછું ‘શું થયું હતું ? શું થયું હતું ?’ પૂછીને પ્રશ્નોનો મારો નહીં ચલાવવાનો. તમે તેની પાસે અકારણ પૂછપૂછ કરતા નથી એ વાત પત્નીને સંતોષ આપશે.
[7] ભેટ આપો :
જિદ્દી હોવું અને મનનું ધાર્યું કરવા ઉપરાંત બાળકો અને પત્નીઓમાં આ એક વાત કોમન છે – બન્નેને ગિફ્ટ (સ્વીકારવી) ખૂબ પસંદ છે. ‘આજે હું તારા માટે કશુંક લાવ્યો છું.’ એમ કહીને, જોરદાર ઉત્કંઠા પેદા કરીને તમે દર વખતે તેને ટ્રાફિક સિગ્નલ પાસેથી ખરીદેલાં ગુલાબ પકડાવી દો તે ન ચાલે. તમને ખબર હોવી જોઈએ પત્નીના મેકઅપ બોક્સમાં કયા શેડની લિપ્સ્ટીક ખલાસ થવાની તૈયારીમાં છે. તમને એય યાદ હોવું જોઈએ તમે છેલ્લા છ મહિનામાં તેને એકેય ઘરેણું નથી અપાવ્યું. વળી, આ બધી ગિફ્ટ પત્નીને પ્રસન્ન કરશે. અતિપ્રસન્ન નહીં. પત્નીને અતિપ્રસન્ન કરવા માટે તેના માટે અલાયદી નવી કાર જોઈશે અથવા તો મોરિશિયસની સરપ્રાઈઝ ટુર.
[8] બાબુલ કી ગલી
પત્ની પિયર ગઈ હોય એટલે તમે જોરદાર મૂડમાં હશો અને જલસા કરતા હશો એ બિલકુલ સમજી શકાય એવું છે, પણ પત્નીનો ફોન આવે ત્યારે તમારા અવાજમાં ખુશાલી ભૂલેચૂકેય રણકવી ન જોઈએ. ‘યુ નો સ્વીટહાર્ટ, ગઈ કાલથી હું સરખું જમ્યો જ નથી. આજે દિવસે તો કોફી અને સેન્ડવિચથી ચલાવ્યું અને અત્યારે પીઝા ઓર્ડર કર્યા છે… તું ન હો ત્યારે મારી હાલત ખરાબ થઈ જાય છે, સચ્ચી.’ પત્નીને દઢપણે લાગવું જોઈએ કે તેના વગર તમે દુ:ખી દુ:ખી છો. તેને ફીલ થવું જોઈએ કે તેના વગર તમે સાનભાન ભૂલી જાઓ છો અને તમારું જીવન શઢ વગરનાં વહાણની જેમ ખોરંભે ચડી જાય છે. અલબત્ત, તારા વગર ગમતું નથી એવું કહેતી વખતે અને ખુદની ‘દેવદાસ’ જેવી હાલતનું વર્ણન કરતી વખતે સભાન રહેવું આવશ્યક છે. એવું ન બનવું જોઈએ કે તમારી દુ:ખભરી દાસ્તાન સાંભળીને પત્ની રજાઓ ટૂંકાવીને પિયરથી વહેલી પાછી આવી જાય. પતિના જીવનમાં પોતાની અનિવાર્યતા – આ એક એવી લાગણી છે જે જેટલી વધુ ઘૂંટાશે એટલી પત્ની વધારે આનંદિત રહેશે.
[9] નિર્ણય લેવા દો
‘મારા ઘરમાં મારું રાજ ચાલે છે.’ – કોઈ પણ પત્નીના અહંમના સંતોષ માટે આના કરતાં ચડિયાતી હકીકત બીજી કોઈ ન હોઈ શકે. પત્નીને આવા ભ્રમમાં જીવવા દો. તમારામાં એવી આવડત હોવી જોઈએ કે આખરે તો બધું તમે ઈચ્છતા હો એ જ થાય અને છતાંય પત્નીને લાગતું રહે કે ઘરના બધા મહત્વના નિર્ણયો તે જ લે છે. આ કૌશલ્ય કેળવવું, અફકોર્સ મુશ્કેલ છે, પણ નામુમકિન નહીં. કોઈ પણ બાબતનો નિર્ણય લઈને અને એનો સીધો જ અમલ કરીને પત્નીને આઘાત આપવાની ભૂલ કરી તો ગયા કામથી.
[10] સારા પિતા બનો
માત્ર પુરુષ હોવું પૂરતું નથી, તમારે સંપૂર્ણ પુરુષ બનવું પડશે. કમ્પ્લીટ મેન શી રીતે બનશો ? તમારા ટેણિયાના બાળોતિયાં બદલીને, સિમ્પલ. પત્ની માતૃત્વ ધારણ કરશે એટલે તે તમારામાં પિતૃત્વ ઓટોમેટિકલી છલક છલક થવા માંડે એવી અપેક્ષા રાખશે. તમારો બાબો કે બેબી સૂ-સૂ કે છી-છી કરે તો મોઢું બગાડ્યા વગર સફાઈ કરી નાખવાની. સંતાન મોટું થાય અને ઉધામા મચાવે તો પત્નીની હાજરીમાં તેને ધીબેડવાનું નહીં. આ કામ પત્નીની ગેરહાજરીમાં ક્યાં થઈ શકતું નથી. તમારો આઈક્યૂ જ નહીં ઈક્યૂ (ઈમોશનલ કવોશન્ટ) પણ ઠીક ઠીક સારો છે એવું પત્નીને તો જ લાગશે જો તમે સારા પિતા બનશો. માયાળુ પિતા બનશો એટલે તમારી ‘સોફટ સાઈડ’ આપોઆપ બહાર આવશે અને પત્નીને ખાતરી થશે : ‘ના, ના, આ માણસ હું ધારું છું એટલો ખડૂસ નથી.’
બેસ્ટ ઑફ લક !
– શિશિર રામાવત







સરસ લેખ.
અભિયાન’ સામાયિકના કયા અંકમાં આ લેખ આવ્યો હતો તે જણાવશો?
Chetan did you started following it or not
Actually eno koi fayado nathi have..bcz me ane jalpa e jode besi ne j aa post vachi hati
That was one of the most realistic views that should lead to “Happily Married” ever after….
Hope that happens to all who live through practicing the 10 pint agenda !!!
A correction in my earlier Comment. By mistake I have writtin point as pint in the second line. “Hope that …………… practicing the 10 point agenda !!”…
Really bahu j sundar ane sikhvanu chhe aa kaveta ma, pun salu aj kal na baira ne tamara salery ma ras hoi chhe, e aape do etle bhai maro to problem slove thaye jay chhe…
I hate my all wives.
salu, aa to kharekhar lagn pahela janva jevi vastu chhe. ane temaye amara jeva kuvarao mate khas.
This tips are given in Dale Carnegie’s book - How to win Friends and Influence people..
jakas 6e bhai