ખોટું લગાડશો નહિ
July 4th, 2008
લોકો છે , કૈં પણ ધારે તો ખોટું લગાડશો નહિ,
સાવ જ અવળું વિચારે તો ખોટું લગાડશો નહિ.
ક્યારેક તમે જાણો એ પ્હેલાં ઊંચકી પણ લેશે,
-ને માથે થી ઉતારે તો ખોટું લગાડશો નહિ.
સાવ એટૂલા પડશો જગથી,એ પણ છે એક લ્હાવો,
ઓળખશો ખૂદને ત્યારે તો ખોટું લગાડશો નહિ.
ખૂબ જ યાદ તમે કરશો ને મળશો પરિચય પણ પૂર્ણ,
એ પાસે ન હો જ્યારે, તો ખોટું લગાડશો નહિ.
ત્યારે જ મળે છે દીવો પ્રગટાવાની તક ;સુધીર’,
રહેવાનું હો અંધારે તો ખોટું લગાડશો નહિ.
-સુધીર પટેલ





