હરિનો મારગ છે શૂરાનો

June 20th, 2008

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

- પ્રીતમ

No Responses to “હરિનો મારગ છે શૂરાનો”

  1. પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
    માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને…

    તમે શાળાના દિવસો યાદ કરાવી દીધા.

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books