ઝીણા ઝરમર વરસે મેહ

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચુંદડલી.

આજ ઝમે ને ઝરે ચંદ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા :
હો ! ભીંજે મારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મારી ચુંદડલી.

આનંદકન્દ ડોલે સુન્દરીનાં વૃંદ ને
મીઠા મૃદંગ પડછંદા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચંદા !
હો ! ભીંજે મારી ચુંદડલી.

-ન્હાનાલાલ

This entry was posted on Monday, June 9th, 2008 at 2:30 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply