લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?
એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.
સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
- મરીઝ
June 4th, 2008 at 1:50 pm
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
લગભગ દરેક કોલેજીયન ની વાત જનાબ મરીઝ સાહેબ અહીં કરે છે
September 21st, 2008 at 1:19 am
[...] – મરીઝ(http://gujaratikavita.wordpress.com/2008/06/04/mariz-gayo/) [...]
August 1st, 2011 at 9:50 am
હાથ માં હાથ પકડી ને બેઠો હતો અનેક વાર……
અફસોસ કે એની નશ ના જાણી શક્યો……