પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો…!

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો…
હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી ને તે ય શ્યામવરણી.
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે
મને મૂકી આકાશને તું પરણી.
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

- મુકુલ ચોકસી

This entry was posted on Monday, June 2nd, 2008 at 11:46 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply