રાખે છે મને

July 24th, 2015Posted by admin

પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને

રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને

શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !

પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !

રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને

એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને

– હરકિસન જોષી

એના એ જ છે

July 24th, 2015Posted by admin

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

– દર્શક આચાર્ય

મારા ભેરુ

July 23rd, 2015Posted by gujaratikavita

હે પ્રેમનું ભાથુ ભરી લેજો રે મારા ભેરુ
વાટ લાંબી ને દૂર છે મંજિલ મારા ભેરુ…હે પ્રેમનું

મારગમાં મેં તો ઉગતો સુરજ હા રે દીઠ્યો
એમા મારા નિરંજન નો ચહેરો નીરખ્યો…હે મારા ભેરુ

પંથમા પેલી વહેતી નદિયૂ નાં નીર નિહાળી
એમા મારા વ્હાલા એ વાણી રે પ્રગટાવી…હે મારા ભેરુ

ઉંચે જોયુ તો અસીમ આકાશ આંનદી
મને મારા પ્રભુજી એ ગોદ રે લીધી…હે મારા ભેરુ

જો પેલો હંસો રે આવ્યો લઇને સંદેશો
એ ગાતો ગુરુજી નુ નામ ને કહેતો “ઓશો”,”ઓશો”…હે મારા ભેરુ

હે મને વાટમાં જ મળી ગઇ મંજિલ મારી
હે પ્રેમનું ભાથુ વહેંચી દેજો રે મારા ભેરુ…હે વહેંચી દેજો રે મારા ભેરુ

– ધર્મેશ હિરપરા

દર્પણ

July 22nd, 2015Posted by admin

એક વખત મેં દર્પણ જોડે ઝઘડો કર્યો.
દર્પણ, દર્પણ તેં દાટ વાળ્યો છે.

અમારા ચહેરા પી પીને
તું રહ્યું દેખાવડું
અને અમે થયા
ધીરે ધીરે ઝાંખા.

એ ચૂપ રહ્યું.

તું ન હોત તો
અમે એયને કુદરતમાં રમમાણ હોત.
તેં અમારી વચ્ચે ફાચર મારી.

એ કશુંક બોલવા ગયું
પણ એણે માંડી વાળ્યું.

તેં અમને અમારાથી છૂટા પાડ્યા
અને ડુબાડી દીધા
પ્રતિબિંબના દરિયામાં.

એ ધીરેથી ન સંભળાય
એવું કશુંક બોલ્યું.

સાંભળે છે તું ? હું બરાડ્યો.
આજે હું તને ફોડીને જ ઝંપીશ.
અને કાયમ માટે નિરાંત અનુભવીશ
તૈયાર થઈ જા.

એકાએક એણે પોતાની અંદર
સંતાડી રાખેલો એક ચહેરો મને બતાવ્યો.

અરે ! આ તો મારી માનો ચહેરો !

– રાજેન્દ્ર પટેલ

કુક્કડસભા..

July 22nd, 2015Posted by gujaratikavita

ચાલો જઇયે જોવા આજે એક સભા અનોખી,
કુકડાઓની પરિષદે કેવિ-કેવિ માંગો મૂકી!!

કોઇ લડે મુક્તિ માટે, તો કોઇ વંશવેલો ઝંખે,
બધે બસ માણસાઇ વિરુધ્ધ રોકકળ પોકે-પોકે..

રામુ કુકડો મુક્તિ માંગે, છે ત્રણ વરસથી બંદી,
પુરાઇ રહે પિન્જર-જેલમાં-ગરમી હોય કે ઠંડી..

પછી ટહુકી ગિતા કુકડી, કુક્કડપુત્ર એ ચાહે,
પણ માલિક એનો હંમેશ એનાં ઇંડા વેચી ખાયે..

ત્યાંજ ફાટ્યો શંભુ કુકડો, બદલો મારે લેવો,
કતલ થયાં પૂર્વજો મારા,જુલમી કસાઇ કેવો!!

છેલ્લે પોક્યા કુક્કડરાજ, અહિંસક જંગ હવેથી શરુ,
આહવાન આપ્યું ભુખ-હડતાલનું,હવે કરું કે મરું!!

ઇંડા ના આપે મુરધી કોઇ, મુરઘાઓ ના ચણે દાણા,
માણસ કરતાં લાગ્યા એમને કુતરા-બિલાડા શાણાં..

એક ચતુર મુરઘાએ ત્યાંજ એવું કાતિલ ડહાપણ ઢોળ્યું,
આપીયે રોગ અસાધ્ય માણસને, કહી બળતામાં ઘી હોમ્યું!!

નક્કી કર્યું કુક્કડરાજે કે એક રોગીલો ફતવો જારી થાય,
મરતો-તરફડતો-ડરતો માણસ પછી આપણને નહિ ખાય..

ત્યાંજ આવ્યો શ્વાન ઘુરકતો ને સભા થઇ બરખાસ્ત,
કુક્કડરાજનાં રામ રમ્યાં, ખુંપ્યા તિક્ષ્ણ ગરદને દાંત..

શું ફરિયાદ કરવી?

June 4th, 2015Posted by admin

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી?
જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી?
જયારે પવન રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી?
જયારે ધબકારા રિસાઈ જાય તો,
દિલ ને શું ફરિયાદ કરવી?
જયારે નસીબ રિસાઈ જાય ‘અનેરી’
તો ભગવાન ને શું ફરિયાદ કરવી?
– અંકિતા છાંયા ‘અનેરી’

ખ્વાઇશ

January 30th, 2015Posted by admin

આંખો ને સ્વપન માં ખોવાવા દો

પલકો ને ‘પલ’ માં ભીંજાવા દો,

યાદો ને સ્મૃતિપટ માં ઝળહળવા દો,

રાતો ને રોશની માં રમવા દો,

‘અનેરી’ ખ્વાઇશ ને જાગવા દો,

દીપક ને તિમિર માં પ્રકાશવા દો,

કિરણ ને તૃણ માં સમાવા દો,

– અંકિતા છાંયા(અનેરી)

વ્હાલ નો દરિયો

January 12th, 2015Posted by admin

મહેકતા ફૂલ નથી મારી પાસે,
કાગળો ની કહાની મોકલું છું.
મીઠું અમૃતજળ નથી મારી પાસે,
વ્હાલ નો દરિયો મોકલું છું.
સંબંધો ની સજ્જતા નથી મારી પાસે,
આંખો ની રોશની મોકલું છું.
સાચા મોટી તો નથી મારી પાસે,
બસ એક ખુશી નો પલ મોકલું છું.
આ તો છે શબ્દો ની કહાની,
શબ્દો નથી મારી પાસે,
એક “અનેરી” આશ મોકલું છું
– અંકિતા છાંયા( અનેરી)

પલકાર

January 3rd, 2015Posted by admin

ઝબકતી આંખો નો પલકાર છે તું,
ચળકતી સવારની ઝાકળ છે તું,
મારા દિલ ની ધડકન છે તું,
મારા સ્વપ્નો નો રાજા છે તું,
હકીકત માં તો ના મળ્યો સહારો તારો,
મારી સ્વપ્ના ની દુનિયા છે તું.
હારી ને પણ જીતી છું જિંદગી ને,
સદાય સાથે રહે એ પ્રેમ છે તું.
મારા શ્વાસ ની સુગંધ છે તું,
મારા હોઠો નું સ્મિત છે તું,
મારી આંખો ની ચમક છે તું
‘અનેરી’ એક આશ છે તું.

– અંકિતા છાંયા’અનેરી’

મળી જાય

December 22nd, 2014Posted by admin

સમુદ્ર ની એક લહેર માં,
એક છીપલું મળી જાય.
આ કલરવ ભર્યા વાતાવરણ માં,
એક પતંગિયું મળી જાય.
આ દુનિયાના માનવીઓમાં,
ક્યાંક ઈશ્વર મળી જાય.
આ ભટકતી નાવો ને એકાદ
કિનારો મળી જાય.
‘અનેરી’ આ ઇચ્છાઓ માંથી,
કદાચ એક ઈચ્છા મળી જાય.